પાના નં. 13
જે લોકો ધનની લેવડ - દેવડમાં, વિદ્યા અથવા કોઈપણ પ્રકારનું જ્ઞાન શીખવામાં, ખાવા-પીવામાં અને હિસાબ-કિતાબમાં સંકોચ નથી રાખતા તેઓ સુખી થાય છે.
માનવી માટે એ જરૂરી છે કે લેવડ-દેવડમાં પોતાનો હિસાબ-કિતાબ (કાગળ ઉપર) ચોખ્ખો રાખે. એના વગર કોઈની સાથે લેવડ-દેવડ ન કરવી. એના લીધે જ સંબંધો પણ બગડતા નથી. કારણ કે પછી માનવી નહિ કાગળ બોલે છે.
જે લોકો સંતોષ અને ધીરજથી કામ કરે છે તેઓનું મન શાંત રહે છે. જેઓ ધનના લોભમાં આંધળાભીંત બની આમતેમ ભટકતા ફરે છે તેઓ પોતાના મનની શાંતિ ખોઈ બેસે છે. એવા લોકો પોતાની જાતે માનસિક રોગ લગાવી બેસે છે. જે એમના માટે ઘાતક સિદ્ધ થાય છે.
એવા લોકો ભાગ્યશાળી હોય છે જેઓ જે મળે છે તેમાં ખુશ રહે છે. તેમને ધનના અભાવનું કોઈ દુ:ખ નથી. હંમેશા ખુશ રહેવું તેમની આદત બની જાય છે.
દરેક પુરુષ માટે એ જરૂરી છે કે પોતાની પત્નીથી ખુશ રહે, ભલે પછી તે સ્વરૂપવાન ન હોય પરંતુ તેના હૃદયમાં પતિ માટે પ્રેમ હોય.
એવી રીતે ઘરમાં જેવું ભોજન હોય તેને ખાઈને ખુશ રહેવાની આદત રાખવી જોઈએ. ઘરનું ભોજન ગમે તેવું હોય, અમૃતથી ઓછું નથી હોતું. તેનાથી જ સુખ-શાંતિ મળે છે.
સંતોષથી વધીને માનવી માટે શાંતિનો બીજો કોઈ માર્ગ નથી. કારણ કે દરેક માનવીને કુદરતે તેના ભાગ્ય અનુસાર આપ્યું છે.
બે બ્રાહ્મણો, અગ્નિ, પતિ-પત્ની, સ્વામી અને સેવક, હળ અને બળદ આ બધાની વચમાંથી ક્યારેય પસાર થવું નહિ. કારણ કે બે બ્રાહ્મણો ગંભીર વિષય કે ધર્મ શાસ્ત્ર ઉપર ચર્ચા કરી રહ્યા હોય, આવા સમયે તેમની વચ્ચેથી કોઈ પસાર થાય તો તેમની ચર્ચામાં વિક્ષેપ પડશે અને ક્રોધે ભરાઈ કદાચ બ્રાહ્મણ તમને શાપ પણ આપી દે. પતિ-પત્ની વચ્ચેથી પણ પસાર થવું નહિ, તેમના રંગમાં ભંગ પડશે. અગ્નિ વચ્ચેથી પસાર થશો તો તે તમને બાળી નાખશે.
આગ, વૃદ્ધ, ગુરુ, બ્રાહ્મણ, ગાય, કુંવારી કન્યા, અને બાળકો આ બધાને ક્યારેય પગ લગાવવો જોઈએ નહિ. આવું કરવાથી પાપ લાગે છે. આ બધાનું સન્માન કરવું દરેક માનવીનો ધર્મ છે.
બળદગાડીથી પાંચ હાથ, ઘોડાથી દશ હાથ, અને હાથીથી સો હાથ દુર રહેવું જોઈએ. અને જો કોઈ પાપી, સ્વાર્થી અને દગાબાજ માનવી મળે તો તેનાથી દુર રહેવાની કોઈ સીમા નથી. એના માટે તો દેશ છોડીને નાસી જાઓ તો પણ સારું ગણાશે.
