પાના નં. 16
દક્ષિણા લીધા બાદ બ્રાહ્મણ યજમાનને, વિદ્યા પ્રાપ્ત કર્યા બાદ શિષ્ય ગુરુને છોડીને જતા રહે છે. એવી જ રીતે આ સંસારનો નિયમ છે કે દરેક જીવજંતુ, મનુષ્ય પોતાનું કામ પૂરું થતા આ સંસાર છોડીને જતા રહે છે.
નદી કિનારે આવેલા વૃક્ષો ગમે ત્યારે તૂટીને પાણીમાં વહી જાય છે. તેમ મંત્રી વગરનો રાજા ગમે ત્યારે રાજપાટ ખોઈ શકે છે.
આ દુનિયામાં એવો કયો માનવી છે જેમાં કોઈ દોષ ન હોય. માનવીએ એ વાત ન ભૂલવી જોઈએ કે સદા કોઈ સુખી નથી રહેતું અને સદા કોઈ દુ:ખી નથી રહેતું. સુખ - દુ:ખ તો તડકા-છાંયડાની જેમ આવતા જતા રહે છે.
પોતાના પરિવારની રક્ષા કરવા માટે કોઈ એકની કુરબાની આપી દેવી જોઈએ. દેશની રક્ષા કરવા માટે પોતાનું સર્વસ્વ કુરબાન કરી દેવું જોઈએ. આત્મરક્ષા કરવા માટે પોતાની જાતને કુરબાન કરવામાં સંકોચ રાખવો જોઈએ નહિ.
પોતાની શક્તિના બળે માનવી અશક્ય અને સખ્તમાં સખ્ત કામ આસાનીથી કરી શકે છે જો તેનામાં આત્મવિશ્વાસ હોય તો.
વેપારી માટે કોઈ પણ દેશ દુર નથી હોતો. તે પોતાના ધંધા માટે ગમે ત્યાં જઈ શકે છે. વિદ્વાનો માટે આ દુનિયામાં બધા માર્ગો ખુલ્લા હોય છે. તે લોકો ગમે ત્યાં જાય, દરેક દેશમાં તેનો આદર થાય છે.
રાજાની આજ્ઞા, કન્યાદાન અને પંડિતના શ્ર્લોકો એક જ વાર થાય છે. રાજા એક જ વાર હુકમ કરે છે. ત્યારબાદ એ હુકમનું પાલન કરવામાં આવે છે. ન કરનારને સજા મળે છે. કન્યાદાન જીવનમાં એક જ વાર કરવામાં આવે છે. પંડિતજી પણ દરેક કાર્યમાં માત્ર એક જ વાર શ્ર્લોક બોલે છે.
સંકુચિત માનસવાળા અને નીચ લોકોની નજરમાં ધન જ સૌથી મોટી શક્તિ છે. એ લોકો હંમેશા ધનના લોભમાં આંધળા બની ફરતા રહે છે. તેમના જીવનનો એકમાત્ર ધ્યેય હોય છે ધન પ્રાપ્ત કરવાનો.
મધ્યમ વર્ગના લોકો ધનની સાથે સાથે પોતાની માનમર્યાદા પણ જાળવી રાખવા માંગે છે. તેમને ધનની સાથે સાથે પોતાની ઈજ્જત -આબરૂ સાથે પણ પ્રેમ હોય છે.
પરંતુ આ બે વર્ગોની સાથે સાથે એક ત્રીજો વર્ગ ઉત્તમ પુરુષોનો છે. જે ધનની તુલનામાં સન્માનને જ શ્રેષ્ઠ માને છે. તેમના મત મુજબ જે માનવીની સમાજમાં પ્રતિષ્ઠા નથી, ઈજ્જત નથી તેમનું જીવન પણ મૃત્યુ કરતા બદતર હોય છે.
