પાના નં. 17
દીપક અંધકારને ખાઈ જાય છે એટલે કે તે પ્રકાશને જન્મ આપે છે. પરંતુ તેનાથી કાજલ (કાલીમા) પેદા થાય છે. એનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે જે લોકો પાપની કમાણી ખાય છે. તેમના સંતાન ગુણહીન, મંદબુદ્ધિ તથા બદમાશ હોય છે, જે માતા પિતાની સેવા નથી કરતા પરંતુ તેમને હંમેશા કસ્ટ આપે છે. માટે હંમેશા મહેનતની કમાણીથી ખાવું જોઈએ. બાળકોને પણ બુરાઈથી દુર રાખો કારણ કે પાપની કમાણી તમને તથા તમારા પરિવારને લઇ ડૂબશે.
બુદ્ધિમાનને આપેલું ધન દાની પાસે બમણું થઈને પાછું આવે છે. એટલા માટે જેઓ દાનવીર છે તેમણે હંમેશા બુદ્ધિમાનોને જ દાન આપવું. જે વિદ્વાન નથી, દાનને યોગ્ય નથી, એવા લોકોને દાન આપવાથી કોઈ લાભ નથી. બલકે આવું દાન કરવાથી પાપ લાગે છે.
દાન અને ગુણ અલગ અલગ નથી તેવી રીતે પાપ અને દાન પણ એક સાથે નથી મળી શકતા. જ્ઞાની પુરુષો આ બંનેના અંતરને સારી રીતે ઓળખે છે.
જયારે પણ માનવીનું પેટ ખરાબ થાય છે, તેમાં દર્દ થાય છે તો તેણે દવાના રૂપમાં શુદ્ધ પાણી પીવું જોઈએ. આનાથી તેના પેટનો રોગ મટી જશે.
ભોજન પહેલા પાણી પીવું શક્તિદાયક માનવામાં આવે છે. ભોજન કરતી વખતે વચમાં પાણી પીવું અમૃત સમાન છે. પરંતુ ભોજન પછી પાણી પીવું વિષથી ઓછું નથી.
જે લોકો જ્ઞાનને લક્ષ્ય માનીને કામ નથી કરતા તેમના માટે જ્ઞાન વ્યર્થ છે, કારણ કે તે કર્તવ્ય અને અકર્તવ્યનું અંતર નથી સમજી શકતો.
સેનાપતિ ન હોય તો સેના વ્યર્થ છે. તેવી રીતે જ પતિ વગર પત્નીનું જીવન વ્યર્થ છે. જે ભણેલા-ગણેલા જ્ઞાની લોકો સભ્યતાનું પાલન નથી કરતા તેમની શિક્ષા વ્યર્થ છે. જ્ઞાની પુરુષ તો ઠોકર ખાઈને પણ સુધરી જાય છે. પરંતુ જેઓ અજ્ઞાની છે તેમના માટે તો સુધરવાના દ્વાર પણ બંધ થઇ જાય છે.
વૃદ્ધાવસ્થામાં જેની પત્ની મરી જાય, એવા સમયે ભાઈબંધુઓ દ્વારા ધન હડપ કરી લેવાનું તેમજ ભોજન માટે બીજા લોકોની દયા ઉપર જીવવાનું, અ ત્રણ વાતો પુરુષ માટે અત્યંત કષ્ટદાયક માનવામાં આવે છે.
વૃદ્ધાવસ્થામાં માત્ર પત્ની જ માનવીનો સાથ આપે છે જો પત્ની સાચી પતિવ્રતા હોય તો. આવી દશામાં વૃદ્ધાવસ્થા સૌથી વધુ કષ્ટદાયક બની જાય છે. માટે દરેક માનવીએ એ અવસ્થા માટે થોડુંઘણું ધન બચાવી રાખવું જોઈએ.
જે લોકો યજ્ઞ નથી કરતા, દાન-પુણ્ય નથી કરતા, તેમના માટે વેદોનો પાઠ બેકાર છે. દાન વિના કોઈપણ શુભકાર્ય સફળ નથી બનતું.
જે લોકો માત્ર દેખાડો કરવા દાન કરે છે, પોતાની પ્રશંસા માટે યજ્ઞ કરાવડાવે છે તેવા લોકોને પણ તેમના દાન-યજ્ઞનું શુભ ફળ નથી મળતું.
દેવતા ન તો લાકડીઓમાં વસે છે ન તો પત્થરોમાં. એ તો કેવળ ભક્તોના હૃદયમાં વસે છે. પોતાની આત્મશક્તિના બળે તમે તેને જોઈ શકો છો. પ્રભુ સુધી પહોંચવાનો એક માત્ર રસ્તો એ જ છે.
