પાના નં. 26

પાના નં. 26

bookmark

ઈર્ષ્યા અસફળતાનું બીજું નામ છે. પોતાની અસફળતા અને બીજાની સફળતાથી મનુષ્ય ઈર્ષાળુ બની જાય છે. ઈર્ષાળુ માનવી મહત્વહીન હોય છે. ઈર્ષ્યા કરવાથી પોતાનું જ મહત્વ ઓછું થઇ જાય છે. 

દગાબાજ માનવી હંમેશા મોંથી રામ-રામ બોલે છે અને બગલમાં છરી રાખે છે. સમય આવતા તે પોતાની છરીનો કમાલ બતાવે છે. 

કોઈની પાસેથી કામ કઢાવવું હોય તો મીઠા વેણ બોલો. શિકારી જયારે હરણનો શિકાર કરવા જાય છે ત્યારે મીઠા મધુરા ગીતો ગાય છે. 

અમૃતથી બધાને જીવન મળે છે. પરંતુ શિવજી વિષપાન કરીને વધારે પૂજનીય બની ગયા. માટે દરેક કામ માત્ર પાત્ર ઉપર નિર્ભર હોય છે. 

મહાપાપી કોણ છે? જે દુરથી આવેલ ભલા, સીધા સાદા માનવીને વિશ્રામની જગ્યા ન આપે, જે ઘરમાં આવેલ મહેમાનને ભોજન ન કરાવે અને તેની સામે જ પોતે ખાય, જે બીજાના માલને હડપ કરી જાય, એવા લોકો મહાપાપી હોય છે. 

રાજા, આગ અને ગુરુ આ બધાની નિકટ જવું સારું નથી, તેમનાથી દૂર રહેવામાં જ લાભ છે, એનાથી આબરૂ સચવાય છે. 

આગ, પાણી, સાપ, રાજા આ બધા સાથે મિત્રતા કરવામાં નુકશાન જ નુકશાન છે. આ લોકો કોપાયમાન થાય ત્યારે માનવીનો જીવ પણ લઈ શકે છે. 

ભમરો જ્યાં સુધી કમળની પાંખડીઓની વચમાં રહે છે ત્યાં સુધી જ કમળના ફૂલના રસનો આનંદ લે છે પરંતુ સંયોગની વાત એ છે કે પરદેશમાં ધતુરાનું ફૂલ એના માટે ઘણું બધું હોવા સમાન હોય છે. આવી રીતે ભૂખ્યા રહેવા કરતા થોડું ભોજન કરી લેવું સારું, એનાથી થોડો તો સંતોષ મળે છે. માનવીએ સંજોગોવશાત જેવું પણ મળે, જેટલું પણ મળે એને ગ્રહણ કરી લેવું જોઈએ.

ચંદનના વૃક્ષને કાપી નાખવાથી તેની સુગંધ નષ્ટ થતી નથી. હાથી ઘરડો થવાથી એની કિંમત ઘટતી નથી. શેરડી પીલાઈને કૂચા જેવી બની જાય છે. છતાં તેનામાંથી મીઠાશ નથી જતી. સોનું આગમાં તપીને પણ પોતાનો ચળકાટ છોડતું નથી, તેવી જ રીતે સારા કુળના સંસ્કારી લોકો ગમે ત્યાં જાય, ગમે તે પરિસ્થિત હોય, પણ પોતાના ગુણ છોડતા નથી.

સાપના દાંતોમાં ઝેર હોય છે. માખીના માથામાં અને વીંછીની પૂંછડીમાં ઝેર હોય છે. પરંતુ દુષ્ટ માનવીના તો આખા શરીરમાં ઝેર હોય છે. દુષ્ટ માનવી સૌથી વધારે ઝેરીલો હોય છે.