પાના નં. 11
આ દુનિયામાં સૌથી મોટું બળવાન, શક્તિશાળી કોઈ હોય તો એ છે કાળ(મૃત્યુ). તેને પોતાના વશમાં કરવું અત્યંત કપરું અને અસંભવ છે. કાળની સામે કોણ ટકી શકે છે? કાળને છોડીને માનવી બધી વસ્તુઓને પોતાના વશમાં કરી લેવાની શક્તિઓ ધરાવે છે.
મૃત્યુ અટલ છે જે મનુષ્યના જન્મની સાથે જ લખી દેવામાં આવે છે. તેને ટાળી શકાતું નથી.
સારા અને ખરાબ કાર્યો માનવી જ કરે છે, એટલા માટે તેને સારા નરસા ફળ પણ મળે છે. તે જેવા કાર્યો કરે છે તેવા જ તેને ફળ મળે છે.
આ સંસાર તો માયાજાળ છે, એમાં જો કોઈ એકવાર ફસાઈ ગયો તે કદી બહાર નીકળી શકતો નથી. એ ન ભૂલવું જોઈએ કે માનવ માત્ર કર્મો કરવા માટે સ્વતંત્ર છે પરંતુ ફળ ભોગવવામાં તે સ્વતંત્ર નથી.
રાજ્યમાં પાપ થતું હોય તો સૌથી મોટો દોષી ત્યાંનો રાજા છે. જેણે આ પાપો થતાં રોક્યા નહીં.
રાજાની જેમ રાજ પુરોહિત પણ રાજ્યમાં થતા પાપનો દોષી છે. કારણ રાજાને પાપ અને પુણ્ય વિષે જાણ કરવાનું કામ તો રાજ પુરોહિતનું છે.
એવી જ રીતે એક પતિનું પણ કર્તવ્ય છે કે પોતાની પત્નીને પાપના રસ્તે ન જવા દે. તેને ખોટા કર્મોની શિક્ષા આપી સમજાવે કે બુરા કર્મોનું ફળ બુરું જ હોય છે.
જો કોઈ શિષ્ય પાપી બને તો ગુરુને પણ તે દોષનો ભાગીદાર માનવામાં આવે છે.
પાપીને પાપ બતાવવાથી પાપ રોકાય છે. આ કાર્ય માટે રાજા, ગુર, અને પતિ જ સૌથી વધુ ઉપયોગી સિદ્ધ થઇ શકે છે.
જે પિતા પોતાના સંતાનો ઉપર દેવાનો ભાર છોડી જાય છે તે પોતાના જ સંતાનનો સૌથી મોટો શત્રુ માનવામાં આવે છે.
જે માતા પોતાના સંતાનોને ખરાબ કામો કરતા નથી રોકતી તેને પણ પોતાના સંતાનોની સૌથી મોટી શત્રુ માનવામાં આવે છે.
અત્યંત સ્વરૂપવાન સ્ત્રી પણ પતિની શત્રુ હોય છે. કારણ કે તેને પોતાના સૌંદર્યનું અભિમાન થઇ જાય છે.
મુર્ખ પુત્ર પણ કુળનું કલંક માનવામાં આવે છે.
એટલા માટે જ પોતાના પરિશ્રમથી કુટુંબનું પોષણ કરનાર પિતા, પતિવ્રતા સ્ત્રી, પોતાની સુંદરતા ઉપર ગર્વ ન કરનારી સ્ત્રી, અને જ્ઞાની પુત્ર આ બધા પરિવારના સુખના સાધન માનવામાં આવે છે.
