પાના નં. 14
હાથીને કાબુમાં રાખી ચલાવવા માટે અંકુશ, ઘોડાને કાબુમાં રાખી ચલાવવા માટે ચાબુક અને શીંગડાવાળા પ્રાણીઓને કાબુમાં રાખવા માટે લાકડીની જરૂર પડે છે. પરંતુ પાપી, દુષ્ટ લોકો ક્યારેય સહેલાઈથી કાબુમાં નથી આવતા.
સાધારણ ઠપકાનો તેમની ઉપર કોઈ પ્રભાવ નથી પડતો. એમને વશ કરવા માટે તો તલવાર ઉઠાવવી પડે છે. આવા દુષ્ટ લોકો આવા ભયથી પણ સીધા માર્ગે ન ચાલતા હોય તો તેમની હત્યા કરી દેવામાં કોઈ બુરાઈ નથી. બુરાઈને જડથી કાપી નાખવી મોટો ધર્મ છે.
બ્રાહ્મણને પ્રસન્ન કરવા માટે તેને ભોજન કરાવવું જોઈએ. કાળા ઘનઘોર વાદળો છવાયેલા જોઈ મોર ખુશ થાય છે. જ્ઞાની પુરુષને બીજાને સુખી જોઈ ખુશી થાય છે.
બ્રાહ્મણો હંમેશા પોતાના યજમાનોને ધનવાન અને ખાતા-પીતા જોવા માંગે છે. તેમની ઈચ્છા એવી જ હોય છે કે તેમના યજમાનના ધનના ભંડાર ભરેલા રહે અને તે એમના જેવાઓને ભોજન કરાવતા રહે.
જો શત્રુ તમારા કરતા વધુ શક્તિશાળી હોય તો તેની સાથે પ્રેમથી વ્યવહાર કરીને તેને પોતાના વશમાં કરી લો. મીઠી મીઠી વાતો કરી તેને કાબુમાં લેવો એ પણ એક કળા છે.
કોઈપણ બુરા માનવી સાથે ભલાઈ કરવી ઉચિત નથી. બુરાઈને બુરાઈથી જ મારી શકાય છે. જેવી રીતે લોખંડ વડે લોખંડને કાપવામાં આવે છે.
અધિક શક્તિશાળી શત્રુને નમ્રતા, પ્રેમનો આશરો લઇ તેને પોતાના વશમાં કર્યા બાદ તેનાથી બદલો લો. ધર્મયુધ્ધમાં દરેક હથિયારનો ઉપયોગ થઇ શકે છે.
રાજાની શક્તિ તેની બહાદુર સેના હોય છે. બ્રાહ્મણની શક્તિ તેનું જ્ઞાન અને ધર્મશાસ્ત્રોનું અધ્યયન હોય છે. નારીની શક્તિ તેનું રૂપ, સૌંદર્ય તથા યુવાની હોય છે.
જે તળાવમાં વધારે પાણી હોય છે હંસ ત્યાં જઈને જ નિવાસ કરે છે અને જયારે પાણી સુકાઈ જાય છે તો તેઓ બીજા તળાવની શોધમાં નીકળી જાય છે. વર્ષા થયા બાદ જયારે એ તળાવમાં પાણી ભરાઈ જાય છે, તો એ હંસો પાછા ત્યાં આવી જાય છે. આ કેવળ સ્વાર્થની વાત છે. દરેક કાર્ય પોતાના સ્વાર્થ માટે ન કરવું જોઈએ. કોઈનો હાથ પકડો તો હંમેશને માટે, સુખમાં અને દુ:ખમાં સાથે રહો. દુ:ખના સમયે કોઈનો સાથ ન છોડો.
ક્રોધી સ્વભાવવાળા, કટુ વાણી બોલનારા, દરિદ્ર અને પોતાના સગા-સંબંધીઓ સાથે શત્રુતા રાખવાવાળા, ચરિત્રહીન તથા નીચ લોકો સાથે મિત્રતા રાખવાવાળા, નીચ લોકોની નોકરી કરવાવાળા લોકો, આ છ ખરાબ કર્મ કરવાવાળા લોકો માટે પૃથ્વી નરક ભોગવવા સમાન છે. આ છ કર્મ માનવીના સૌથી મોટા દુશ્મન છે, તેનાથી બચીને રહેવું જોઈએ.
અજ્ઞાનીઓ પોતાના માટે પણ કશું કરી શકતા નથી. ન તેમના પોતાના પરિવારના લોકોના હિત માટે પણ કશું કરી શકે છે, તેમજ શત્રુ સામે લડવાનું સાહસ પણ કરી શકતા નથી. તેમનું જીવન વ્યર્થ બની જાય છે.
