પાના નં. 18
માનવીએ હંમેશા શાંત રહી સંયમથી કામ લેવું જોઈએ. ધીરજથી બધા કામો કરવા જોઈએ. ધનનો મોહ, લોભ છોડી ખાવા-પીવા સુધી જ વાત સીમિત રાખવી જોઈએ. એનાથી જ જીવનનું સાચું સુખ પ્રાપ્ત થાય છે.
મોહ માયાની જાળમાં ફસાયેલા કોઈપણ માનવીના આત્માને શાંતિ નથી મળતી.
જે વિદ્યાથી તમે પોતાનું પેટ નથી ભરી શકતા, તમારા પરિવારનું ભરણ - પોષણ નથી કરી શકતા એ વિદ્યાથી કોઈ લાભ નથી, તે વ્યર્થ છે. એ વિદ્યા ધનનો લાભ તો ત્યારે જ આપી શકે છે જયારે તમે એનો ઉપયોગ કરો.
જે ધનનો માત્ર સંગ્રહ કરવામાં આવ્યો હોય તેનો શો લાભ ! મૃત્યુ બાદ એ ધન અહી જ રહી જવાનું. ધનનો લાભ તો દાન આપવાથી જ થાય છે. ધનને ખરાબ કામમાં વાપરવું એ પણ પાપ છે.
જે પાણી ધરતીમાંથી નીકળે છે તેને શુદ્ધ માનવામાં આવે છે. પતિવ્રતા સ્ત્રી દેવી માનવામાં આવે છે. જે રાજા પ્રજાની ભલાઈની વાતો વિચારે છે તે જ રાજા શ્રેષ્ઠ માનવામાં આવે છે. અને જે બ્રાહ્મણ સંતોષી હોય છે તે જ શુદ્ધ અને શ્રેષ્ઠ બ્રાહ્મણ માનવામાં આવે છે.
જે બ્રાહ્મણ ધનની પાછળ પાગલની જેમ દોડે છે, પોતાના ધર્મ-કર્મને ભૂલી જાય છે તે આદરને યોગ્ય નથી રહેતો.
જેની પાસે સંતોષ નથી અને તે આળસુ છે, તેમજ જે રાજા દ્રઢ મનોબળવાળો નથી એવા લોકોનો વિનાશ વહેલો થાય છે.
કેવળ ઉચ્ચ કુળમાં જન્મ લેવાથી કોઈ માનવી મહાન નથી બનતો. મહાન બનવા માટે તેને શિક્ષાની જરૂર હોય છે. માનવી ભલે હલકા કુળમાં જન્મ્યો હોય, નિર્ધન હોય, પરંતુ વિદ્યા પ્રાપ્ત કરી તે બુદ્ધિમાન, મહાન બની શકે છે તેમાં કોઈ આશ્ચર્યની વાત નથી.
જે લોકો માંસાહારી છે, મદિરાનું સેવન કરે છે તેવા લોકોને અભણ અને અજ્ઞાની જ ગણવામાં આવે છે. એવા લોકો માનવ જન્મમાં પણ પશુઓ જેવા છે. આવા માનવજાતિમાં જન્મ લેનાર પશુ મનોવૃત્તિ ધરાવનાર લોકોના પાપોથી ધરતી ભરાઈ ગઈ છે.
યજ્ઞને ધર્મ પૂજાનો મહાન માર્ગ બતાવવામાં આવ્યો છે કારણ કે યજ્ઞ કરવાથી જે વાદળો બંધાય છે તેનાથી વર્ષા થાય છે. આ વર્ષાને કારણે અન્ન પેદા થાય છે. જો યજ્ઞમાં અન્નદાન કરવામાં ન આવે તો યજ્ઞ આખા દેશને બાળી નાખશે તેટલું જ નહિ તે પુરોહિતને પણ બાળી નાંખશે. જે યજમાન પોતાના પુરોહિતને દાન-દક્ષિણા નથી આપતો યજ્ઞ તેને પણ બાળીને ભસ્મ બનાવી દે છે.
