પાના નં. 20
માનવીએ યાદ રાખવું જોઈએ કે અમૃત શરીરને નવશક્તિ આપે છે, ભોજનથી શરીર તૃપ્ત થાય છે, આંખ વગર જ જગત બધું અંધકારમાં ડૂબેલું છે અને બુદ્ધિ વિના માનવી કશું કરી શકતો નથી. આ બધી પ્રભુની દેણ છે.
આપણા બધા અંગોમાં મુખ્ય અંગ માથું છે જેની અંદર મગજ હોય છે જેના વડે માનવી સમજી વિચારીને કામ કરે છે.
જે વિદ્વાનોએ પોતાની દિવ્ય દ્રષ્ટિની શક્તિઓ વડે રાહુ - કેતુ દ્વારા સૂર્ય અને ચંદ્રના ગ્રહણની વાતો કરી છે તેમને આપણે પૂજ્ય વિદ્વાન કેમ ન માનીએ? એ આકાશમાં આજ સુધી કોઈ ગયું નથી કે ન તો એ વિષયે આકાશવાસીઓ સાથે કોઈ વાત થઇ છે, તેમ છતાં ધરતી ઉપર રહીને તેમણે પોતાની વિદ્યાની મહાશક્તિના બળે આકાશનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું.
માનવીએ બીજાઓ ઉપર પોતાનો રોફ, પોતાનો ડર તો રાખવો જ જોઈએ. જેવી રીતે ઝેર વગરનો સાપ પોતાની ફેણ ફેલાવી માત્ર ફુંકારથી જ શત્રુને ડરાવવાની કોશિષ કરે છે. આજ ડર તેને સામાન્ય લોકોના મારથી બચાવે છે. માટે એક વાત જાણી લેવી જોઈએ કે જે માનવીના ભયનો ભ્રમ બની જાય છે તેનાથી લોકો ડરે છે. એ ભ્રમ જ તેની શક્તિ બની જાય છે.
જે લોકો બુદ્ધિમાન છે, જ્ઞાની છે તેઓ પોતાના દિવસનો શુભારંભ મહાભારતના મધ્યકાળ, રામાયણના અધ્યયન સાથે તેમજ રાત્રીનો સમય શ્રીમદ ભાગવત પુરાણના અધ્યયન સાથે શુભારંભ કરે છે. કારણ કે મહાભારતનો મુખ્ય પ્રસંગ ધૂત (જુગાર) છે. અને રામાયણનો મુખ્ય પ્રસંગ સીતાહરણ છે. તેમજ શ્રીમદ ભાગવતનો મુખ્ય પ્રસંગ કૃષ્ણલીલાથી ભરેલો છે. માનવીએ મહાભારતથી ધૂત પ્રસંગ, રામાયણથી સીતાહરણ અને ભાગવતના ચૌર પ્રસંગથી બોધ લેવો જોઈએ.
જે લોકો સાચા શુદ્ધ મનથી ઈશ્વરની મૂર્તિને પોતાના હાથોથી ફૂલોની માળા પહેરાવી પોતાના હાથોથી ચંદન ઘસી તેનું તિલક પ્રભુને કરે છે અને બંને હાથ જોડી નમસ્કાર કરી સંતોષ પાઠ કરે છે. એવા ભક્તો ઉપર ઈશ્વર વહેલા પ્રસન્ન બની તેને દેવરાજ ઇન્દ્ર જેવું સન્માન આપે છે.
શેરડી, તલ, મુર્ખ માનવી, સ્ત્રી, સોનું, ધરતી, ચંદન, દહીં, પાન આ બધી વસ્તુઓને જેટલી વધારે મસળવામાં આવે, મર્દન કરવામાં આવે તેટલા અધિક ગુણ પેદા થાય છે.
જેવી રીતે શેરડીને વધુ પીલવામાં આવે તો તેમાંથી વધુ રસ નીકળશે. તલને જેટલું ઘાણીમાં પીલવામાં આવે તેટલું વધારે તેલ નીકળશે. મુર્ખ માનવી કે સ્ત્રીને જેમ વધુ સખતાઈથી ઠપકો આપશો તેમ તેઓ સીધા ચાલશે. સોનાને જેટલું આગમાં તપાવવામાં આવશે તેટલું વધારે ચમકશે. ધરતીની છાતી ઉપર ખેડૂત જેટલું વધારે હળ ચલાવશે એટલું વધારે અનાજ પેદા થશે. ચંદન, દહીં, અને પાનને જેટલું રગડશો, મસળશો તેટલા જ લાભદાયી અને સ્વાદિષ્ટ બનશે.
નિર્ધન બન્યા બાદ માનવી ધીરજ, બુદ્ધિ અને સાહસથી કામ લે તો એ ફરીથી ધન પ્રાપ્ત કરી શકે છે.
કાપડ ભલે સસ્તું હોય પરંતુ તેની સિલાઈ સારી કરવામાં આવે તો એ કાપડ ઉમદા અને મોંઘુ નજર આવવા લાગશે.
