પાના નં. 22
જે લોકો જ્ઞાનીઓ, બુદ્ધિજીવીઓ અને મુનિઓ સાથે શત્રુતા રાખે છે તેઓ વધુ સમય સુધી સુખી નથી રહી શકતા.
શત્રુઓ સાથે જે લોકો વેર રાખે છે, તેઓ પ્રાણની સાથે સાથે ધન પણ ખોઈ બેસે છે. કારણ કે શત્રુથી બચવા માટે તેઓ ધનનો ખર્ચ કરે છે અને ધનનો વ્યય થતા તેમને અનેક ચિંતાઓ ઘેરી લે છે અને એ ચિંતાઓ તેમના સ્વાસ્થ્યને હણી લે છે. એટલા માટે હંમેશા શ્રેષ્ઠ અને સજ્જન લોકોની જ મિત્રતા કરો.
જેવી રીતે કુતરાની પૂંછડીને સીધી કરવા માટે બાર વર્ષ સુધી નળીમાં રાખો અને બહાર કાઢો તો પણ એ વાંકી ને વાંકી જ રહેવાની, એવી રીતે જ મૂર્ખ માનવીને ગમે તેટલી જ્ઞાનની વાતો સમજાવવાની કોશિષ કરો પરંતુ તે કશું શીખશે નહીં.
નિર્ધન બનેલો અને સંકટોમાં ઘેરાયેલો સ્વાભિમાની માનવી જંગલમાં જઈ વાઘ, વરુ સાથે રહેવા લાગે, વૃક્ષોની જડોમાં પોતાનું ઘર બનાવી લે, જંગલી ફળફળાદી ખાઈ પોતાનું પેટ ભરી લે, પરંતુ કોઈ પણ સગા-સંબંધીની શરણમાં જઈને ન રહે, કારણ કે તેમની પાસે જઈને જે અપમાનના કડવા ઘૂંટ પીવા પડે છે તે સ્વાભિમાની માનવી માટે અસહ્ય હોય છે. સુખ દુ:ખ તો આવતા જતા રહે છે એટલે તેને સહન કરવાની આદત નાખો અને નવેસરથી સંઘર્ષ શરુ કરો.
આ સંસારમાં બ્રાહ્મણ તત્વજ્ઞાન રૂપી વૃક્ષ છે. જયારે પણ આપણે બે કાળો (સંધ્યા અને સાંય) ની પૂજા કરીએ છીએ તે આ વૃક્ષની જડો માનવામાં આવે છે. વેદ તથા તત્વજ્ઞાન આ વૃક્ષની ડાળો છે અને ધર્મ કર્મ તેના પાંદડા ગણાય છે. માટે સૌથી પહેલા એ જડની રક્ષા કરો, ત્યારે જ એ વૃક્ષ ઉછરીને મોટું બનશે, એની રક્ષા થશે. જો તમે ભૂલથી પણ જડો કાપી નાખશો તો વૃક્ષ પણ નાશ પામશે. વૃક્ષની ડાળીઓ, પાંદડા બધું જ સુકાઈ જશે. વિદ્વાનો અને જ્ઞાનીઓ પણ સમાજની જડ હોય છે. તેમનાથી જ સમાજ ઉચ્ચ ચરિત્રનો બની શકે છે.
જે લોકો હંમેશા પ્રભુ ભક્તિમાં રચ્યા-પચ્યા રહે છે તેમના માટે તો ત્રણે લોક સમાન છે. માતા લક્ષ્મી છે, તો પિતા જનાર્દન અને ભાઈ વિષ્ણુ સમાન છે.
સૂર્યાસ્ત થતાની સાથે જ પોપટ, કાગડા, ચકલીઓ, કબુતર તેમજ અન્ય જાતના પક્ષીઓ એક મોટા વૃક્ષ પર આવીને બેસી જાય છે. તેમની જાતિઓ ભલે અલગ હોય છે પરંતુ રાત્રી પસાર કરવાનું ઠેકાણું તો એક જ છે. તેવી રીતે જ આ દુનિયામાં કોણ જાણે કેટલીય જાતિના લોકો વસે છે જે પોતાના સમયે જન્મ લે છે અને પોતાનો સમય પૂરો થતા પાછા મૃત્યુલોકમાં જતા રહે છે.
આ સંસારમાં બધું જ અસ્થાયી છે, લોકો આવે છે અને જતા રહે છે. પરંતુ જયારે પણ કોઈ સ્વજન પરલોક સિધાવે છે ત્યારે લોકો રડે છે, આક્રંદ કરે છે. પણ રડવાથી આક્રંદ કરવાથી કોઈ લાભ નથી. આ દુનિયા તો ચાલતી રહેવાની, એક આવશે તો બીજો જશે.
બુદ્ધિને શક્તિથી અલગ ન કરી શકાય. જેની પાસે બળ છે તે જ બુદ્ધિવાળો છે. બુદ્ધિહીન પાસે જો બળ હોય તો એનાથી શો લાભ ? બુદ્ધિના બળે જ એક નાનકડા સસલાએ સિંહને કુવાની પાસે લઈ જઈ તેનો પડછાયો બતાવી તેને એની સાથે લડવા ઉશ્કેર્યો હતો. ઉશ્કેરાયેલો સિંહ જેવો હુમલો કરવા ધસ્યો તો કુવામાં પડી મરી ગયો.
