પાના નં. 23

પાના નં. 23

bookmark

દરેક માનવીની અંદર ચાર શ્રેષ્ઠ ગુણો હોવા જોઈએ. દાન કરવાની ભાવના, મધુર વાણી, સહનશક્તિ તથા સારા નરસા કર્મોનું જ્ઞાન. આ ચાર ગુણો આપણને ઈશ્વર તરફથી ભેટ સ્વરૂપે મળ્યા છે. એ લોકો દુર્ભાગી છે જેઓ આ ચાર ગુણોનો લાભ ઉઠાવી શકતા નથી અને પથભ્રષ્ટ થઇ જાય છે. પહેલા બે ગુણો માનવી પાસે વારસામાં આવે છે. આવા ગુણો અભ્યાસ મારફતે નથી મેળવી શકાતા. કેટલાક ગુણો માનવી અભ્યાસ, જ્ઞાન વડે મેળવી શકે છે.

જેવી રીતે કોઈ રાજા પાપની બધી જ સીમાઓ ઓળંગી જાય છે ત્યારે પોતાની જાતે જ નાશ પામે છે કારણ કે તેનો નાશ કરવા માટે તેના પાપો જ પુરતા હોય છે. તેવી રીતે જ જયારે કોઈ મુર્ખ માનવી પોતાની મુર્ખતાની બધી જ સીમાઓ પાર કરી જાય છે. ત્યારે તે પોતાની જાતે જ નષ્ટ થઇ જાય છે. એના પાપ, એનું ગાંડપણ જ તેને અન્ય લોકોની નજરમાંથી ફેંકી દે છે. ખાસ કરીને એ માનવી પોતાના જ સગા-સંબંધીઓની નજરમાંથી ફેંકાઈ જાય છે. અને તેનો નાશ વહેલો થાય છે. કારણ કે તે ઉન્નતિ જ નથી કરી શકતો.

હાથી મહાકાય હોય છે પરંતુ તેને પણ એક નાના અંકુશથી વશમાં કરી શકાય છે. એક નાનકડો દીવો પોતાની ચારેબાજુનો અંધકાર દૂર કરી દે છે. એક નાનો હથોડો મોટા મોટા પર્વતોના પત્થરો તોડી નાખે છે. વસ્તુઓના નાના-મોટા આકારને ન જોતા તેમના ગુણોને જુઓ. એમની શક્તિ જ તેમના ગુણો છે. 

કેટલાક ધર્માચાર્યો એવું કહે છે કે જયારે કળયુગ સમાપ્ત થવાના દશ હજાર વર્ષ બાકી રહેશે ત્યારે ઈશ્વર ભારત છોડીને જતા રહેશે. જયારે કળયુગના પાંચ હજાર વર્ષ બાકી રહેશે તો ગંગાજળ સુકાઈ જશે. અઢી હજાર વર્ષ બાકી રહેશે તો ગ્રામ દેવતા પણ સ્થાન છોડી નાસી જશે. હવે આ કહેવું મુશ્કેલ છે કે આ સ્થિતિ પ્રલય પહેલાની છે ? પરંતુ આ વાતમાં સત્ય છે કારણ કે જયારે જયારે ધરતી ઉપર પાપ વધી જાય છે, લોકો ધર્મના નામે વ્યાપાર કરવા લાગે છે, સત્યવાદી ચિંતામાં ડૂબેલા રહે છે અને પાપી લોકો મોજમજા કરે છે, એવા સમયે દેવતા તો શું ખુદ ભગવાન પણ દૂર જતા રહે છે.

જો લીમડાના વૃક્ષને દુધ અને ઘી રેડી ઉછેરવામાં આવે તો પણ તેની કડવાશ દૂર થશે નહિ. તેવી રીતે જ અધર્મી અને દુષ્ટ લોકોને તમે ગમે તેટલી શિખામણો આપો, તેઓ કદી પણ પોતાની મનોવૃત્તિ બદલશે નહિ, તેમજ કદી પણ સજ્જન નહિ બને. પત્થરો સાથે માથું અફાળવું અને મુર્ખને જ્ઞાન આપવું એક સમાન છે.

જે વાસણોમાં દારૂ મુકવામાં આવે છે તેમને પછીથી આગમાં તપાવવામાં આવે તો પણ તેમાંથી ગંધ નથી જતી તેમજ તે શુદ્ધ નથી થતાં. એવી રીતે જ પાપી અને દુરાચારી માનવી જેના હૃદયમાં પાપ હોય તે કદી પણ પોતાના દુષ્કર્મોને છોડી શકતો નથી.

જો કોઈ દુષ્ટ કર્મ કરનારને પોતાની બુરાઈ ખરાબ લાગતી હોય તો તેણે બધા જ દુષ્ટ કર્મો છોડી દેવા જોઈએ, જેથી કોઈ તેની બુરાઈ જ ન કરે. બીજાની વાતનું ખોટું ત્યારે જ લગાવો જયારે તમે પોતે સારા હોવ. સૌના માટે ઉત્તમ એ જ છે કે એમનામાં કોઈ બુરાઈ હોય તો પોતાની જાતે જ તેને દૂર કરે.

એક વર્ષ સુધી મૌન રહી ભોજન કરનાર લાંબા સમય સુધી સ્વર્ગમાં નિવાસ કરે છે તથા બધા જ દેવતાઓના આશીર્વાદ મેળવે છે. જે માનવી પોતાના પરિશ્રમથી પેટ ભરી ઈશ્વરના ગુણગાન ગાય છે તેને પણ સ્વર્ગમાં સ્થામ પ્રાપ્ત થાય છે. એવા લોકો માટે આ પૃથ્વી પણ સ્વર્ગથી ઓછી નથી, કારણ કે તેમના આત્માને શાંતિ મળે છે. જેના આત્માને શાંતિ મળી જાય તેનાથી મોટું સ્વર્ગ બીજું કયું હશે ?

ગુણવાન બનવા માટે માણસે ઘણા કષ્ટો ઉઠાવવા પડે છે. અને ઘણી બધી વસ્તુઓનો ત્યાગ પણ કરવો પડે છે. વિદ્યાર્થીઓએ સફળતા પ્રાપ્ત કરવા માટે આ બુરાઈઓને છોડાવી જ જોઈએ. (1) કામ (2) વિષય (3) ચિંતન (4) ક્રોધ (5) લોભ (6) મોંનો સ્વાદ (7) સ્વાદિષ્ટ ભોજન વધારે ઊંઘ.

જે લોકો વનમાં રહીને પ્રાકૃતિક ફળ-ફળાદીને ભોજન સમજી ખાય છે અને જે લોકો દરરોજ પોતાના પિતૃઓના શ્રાદ્ધ કરે છે એવા જ લોકોને મહાત્મા અને જ્ઞાની કહેવામાં આવે છે. કારણ કે મહાત્મા અને જ્ઞાની લોકો હંમેશા સંતુષ્ટ રહે છે. તેમને સંસારની કોઈપણ વસ્તુથી મોહ નથી રહેતો.