પાના નં. 24
જે લોકો દિવસમાં એકવાર ભોજન કરી સંતુષ્ટ બની જાય છે, છ કર્તવ્ય યજ્ઞ કરતા રહે છે અને વેદોના પાઠ કરે છે, અને દાન પણ કરે છે અને કેવળ સંતાન પ્રાપ્તિ માટે જ નારી સાથે સંભોગ કરે છે. અને વાસનાને પોતાના જીવનમાં બહુ મહત્વ નથી આપતા એવા લોકો જ બ્રાહ્મણ ગણાય છે. બ્રાહ્મણ કર્મથી હોય છે જન્મથી નહિ.
તેલ, ઘી, ગોળ, તથા કાપડ રંગવાનો વ્યવસાય કરનાર બ્રાહ્મણને શુદ્ર જ કહેવામાં આવશે. માનવીની જાતિ જન્મથી નહિ કર્મથી બને છે.
બીજાનું બુરું કરનાર પાખંડી તથા સ્વાર્થી લોકો જે વગર કારણે બીજો સાથે વેર બાંધે છે એવા લોકો સ્વાર્થી, પાપી, અને દગાબાજ છે. એવા લોકોનું કદાપી ભલું નથી થતું જે બીજાનું બુરું કરવાનું વિચારતા રહે છે.
તળાવ, કુવો, બગીચો અને મંદિરો તોડનાર બ્રાહ્મણને મલેચ્છ (પાપી, અધર્મી) જ કહેવામાં આવશે. પરંતુ બ્રાહ્મણ સિવાય બીજો કોઈ અધર્મી આવું કામ કરશે તે પણ કોઈ ઓછો પાપી નથી. કોઈપણ માનવીએ સામાન્ય લોકોની ભલાઈ અને લાભ માટે બનાવેલી વસ્તુઓને કદી પણ તોડવી જોઈએ નહિ.
જે વસ્તુથી હજારો લોકોને લાભ મળતો હોય તેને કોઈ તોડી નાખે અથવા તો તેનો નાશ કરે તેને પાપ કરતા પણ મોટું પાપ માનવામાં આવે છે.
સાચા પ્રભુ ભક્તોનું એ કર્તવ્ય છે કે તે દીન દુ:ખીઓની સેવા કરે. ભૂખ્યાને રોટલો ખવડાવે, દાન આપતો રહે. મધમાખીઓનો મધપુડો જયારે કોઈ કારણવશ નાશ પામે છે, ત્યારે દુ:ખી થઇ તેઓ મનોમન બોલી ઉઠે છે : 'અમારા માટે આજે કેટલા દુ:ખની વાત છે કે જે મધને અમે સખ્ત પરિશ્રમથી એકઠું કર્યું હતું તે ક્ષણમાત્રમાં નષ્ટ થઇ ગયું. અમે આ ખજાનાને ભરતી વખતે અમારા માટે તો કશું રાખ્યું નહિ, એક ટીપું મધનું જોયું સુદ્ધા નહિ. માનવીએ મધમાખીઓના આ દૃષ્ટાંતથી બોધ લેવો જોઈએ.
મધમાખીઓ કરતા વધારે દાનવીર હતા મહારથી કર્ણ અને વિક્રમાદિત્ય જેમના દાન ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયા છે. આવું દાન બીજું કોણ કરી શકવાનું હતું ! આજે તો લોકો દાન કરવાને બદલે ધન કમાવવા માટે ખાવા - પીવાની વસ્તુઓનો સંગ્રહ કરી તેને બમણા ભાવે વેચે છે અને ધનવાન બને છે. આવી રીતે સંગ્રહ કરનાર લોકો બહારથી તો ઘણા સારા લાગે છે. પરંતુ અંદરથી તેઓ દુષ્ટ જ હોય છે. એ લોકો ભગવાનના તો દોષી છે સાથે સાથે જનતાના પણ દોષી છે જ.
પોતાનાથી મોટા આગળ કદી પણ જુઠું બોલવું જોઈએ નહિ. રાજા સમક્ષ જુઠું બોલવાથી મૃત્યુદંડ પણ મળી શકે છે. દુશ્મન સાથે દગો કરવાથી ધનનો નાશ થાય છે. બ્રાહ્મણ સાથે દગો કરવાથી કુળનો નાશ થાય છે. એટલા માટે કદી પણ જુઠું ન બોલો અને કોઈને દગો ન આપો.
કોઈની પાસે શસ્ત્ર હોય અને તેને ચલાવવાની બુદ્ધિ તેનામાં ન હોય તો તે શસ્ત્ર વગરના માનવીથી પણ હારી જશે. માટે બુદ્ધિ જ શક્તિશાળી છે.
પોતાની સીમા રેખાને ઓળંગી બહાર જનાર માનવી હંમેશા દગો પામે છે. બધા માનવીના જીવનની એક સીમા હોય છે. તેને પોતાની સ્થિતિ, પોતાની શ્રદ્ધા અને પોતાની શક્તિ અનુસાર જ જીવવું જોઈએ.
જે હંમેશા પોતાના ઘરના વિચારોમાં જ ખોવાયેલો રહે છે તેને વિદ્યા નથી આવતી. જે માનવી કામુક છે તે કદી પવિત્ર નથી હોતો. એ પણ સત્ય છે કે સમડીના માળામાં ક્યારેય માંસ નથી હોતું.
